કેન્સર થાય તો કોઈને ન ગમે. સમાજના મોટા ભાગના લોકો કૅન્સર ના નામથી એટલા બધા ડરી ગયેલા છે કે પોતાની કેન્સર ન થાય તેના અગમચેતી ના પગલા રૂપે ગમે તે કરવા તૈયાર છે. મોડર્ન મેડિસિન ના અભૂતપૂર્વ વિકાસને કારણે, નવા નવા નિદાન ના સાધનો ના આવિષ્કાર ને કારણે, ઔષધશાસ્ત્રમાં વૈજ્ઞાનિકોએ અનેક પ્રયોગો અને અઢળક નાણાં ખર્ચીને શોધેલા અકસીર ‘એન્ટી કેન્સર ડ્રગ્સ” ને કારણે હવે ધીરે ધીરે કેન્સર માટે નો ડર ઓછો થતો જાય છે. પણ હજુ કૅન્સર જેવા ભયાનક રોગ સંપૂર્ણપણે કાબૂમાં લેવાની સિદ્ધિ મોડર્ન મેડિસિન મળી નથી.
હોલિસ્ટિક મેડિસિન ક્ષેત્રમાં ખૂબ જ પ્રખ્યાત તેવા અમેરિકાના જાણીતા ડો. એન્ડ વેલ્સ ના જણાવ્યા પ્રમાણે કેન્સર થવાના કારણો માં ‘ફ્રી રેડિકલ’ ના ભરાવા સામે તમારા શરીરમાં એન્ટીઓક્સિડન્ટ ન ચલાવી લેવાય તેવી અછત હોય તો તમને કેન્સર એકલું જ નહીં પણ બીજા ભયંકર રોગો જેવા કે હાર્ટએટેક, બી.પી., ડાયાબિટીસ, આર્થ્રાઇટીસ, દમ વગેરે થઈ શકે છે. પરદેશમાં નાઈટ કલબમાં કોઈ તોફાની ઘૂસી જાય અને કલબમાં આવનાર ને ખલેલ ન પહોંચાડે અને કલબ શાંતિનો ભંગ કરે નહીં માટે કલબના માલિક બાઉન્સર્સ એટલે કે પહેલવાન જેવા થોડા સ્ટ્રોંગ મેન રાખે છે.
જેઓ આવા તોફાનીઓને ઊંચકીને બહાર ફેંકી દે છે. આપણા શરીરમાં તોફાન કરી મૂકનાર તત્ત્વોને ‘ફ્રી રેડિકલ’ કહેવાય. આ તત્વો આપણા શરીરમાં હવા, પાણી, ખોરાકના પ્રદૂષણને કારણે તથા દારૂ, તમાકુ, કેફી દ્રવ્ય, વધારે પડતી ચા અને કૉફી વગેરેને લીધે તથા ચયાપચયની ક્રિયા પછી પોતે ફ્રી હોવાથી શરીરના તંદુરસ્તી અવયવો પર જામી જઈ અને કેન્સર અને બીજા રોગો કરે.
આ વખતે આપણા શરીરનું આ તોફાની તત્ત્વોથી રક્ષણ કરવા માટે ખાવાપીવાની ચીજો દૂધ, અનાજ, તાજા શાકભાજી, તાજા ફળફળાદી અને પૂરતું પાણી લેવાથી આપણા શરીરમાં પૂરતા પ્રમાણમાં વિટામિન ‘એ’, વિટામિન ‘સી’, વિટામિન ‘ઈ’, સેલેનિયમ અને બીજા ખનીજ પદાર્થો ખૂબ જ પ્રમાણમાં મળશે. આ ચાર એન્ટીઑક્સિડંટ સાથે પાંચમું એન્ટીઑક્સિડંટ એટલે રોજની ૩૦થી ૪૦ મિનિટની નિયમિત કસરત. ફક્ત આટલું કરવાથી તમારા શરીરમાં કેન્સર થવાનો ભય નહીં રહે એવું અમેરિકામાં અનેક ઠેકાણે થયેલા પ્રયોગથી સિદ્ધ થયું છે.
એન્ટી કેન્સર ડાયેટની વિગતો હોલિસ્ટિક મેડિસિન ના મત પ્રમાણે જોઈએ અને તેના પ્રયોગો નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યૂટમાં થઈ ગયા છે તેની ભલામણ પ્રમાણે કરેલા છે. ફળ અને શાકભાજી વધારે ખાઓ. રોજ પાંચથી નવ “હેલ્પીંગ’ અથવા ‘સરવિંગ’ તાજા ફળો અને શાકભાજી લો. એક હેલ્પીંગ” અથવા “સરવિંગ’ એટલે ચાનો અર્ધો કપ ગણાય. ફક્ત એટલું જ કરવાથી પંદર પ્રકારના કેન્સર જેમાં આંતરડા, સ્તન, ગર્ભાશયનું મોં સર્વિક્સ અને ફેફસાં મુખ્ય ગણાય તેનો ભય રાખવો નહીં પડે. કારણ ઉપર જણાવેલા એન્ટિ ઓક્સિડન્ટ તો તેમને મળે જ છે પણ તે સિવાય તે બધામાં (વનસ્પતિમાં) ‘લાયકોપેન’ પાલક, બ્રોકોલી, મૂળાની અને મેથીની ભાજીમાં રહેલા ઇન્ડોલ, બધા જ ખટ મધુરા ફળોના, લીંબુ વગેરે માં “લીમોનીન’ અને સફરજન અને દ્રાક્ષમાં રહેલા “એલેજી ઍસિડ’ ખૂબ જ પ્રમાણમાં મળે છે જેથી કેન્સર થતું અટકે છે.
જેમાં ખૂબ ફાઇબર (રેસા) આવે તેવો ખોરાક લો. ફાઇબર એક પ્રકારનો કાર્બોહાઇડ્રેટ છે જે પાણી સાથે મળીને ફૂલે છે. આ ફાઇબર માં પૌષ્ટિક તત્વો નહીંવત્ હોય છે પણ તમારી હોજરી અને આંતરડામાં સુંવાળા ગોળો બની ઝડપથી આગળ વધે છે. તમારી કબજિયાત મટી જાય છે. એટલું જ નહીં પણ ફાઇબરથી મળ રોકાતો નથી અને તમારા આંતરડામાં ચોંટી રહેલા સ્ટાર્ચ અને ચરબીને પોતાની સાથે શરીર બહાર કાઢી નાખે છે જેથી આંતરડાનું કેન્સર થતું અટકે છે. રોજ ૩૦ ગ્રામ જેટલી ફાઇબર લો.
ચરબીયુક્ત ખોરાક ઓછો ખાઓ. તમારા શરીરમાં ચરબી વધારે હોય અને તમે વધારે કેલેરીવાળો ખાસ કરીને ચરબીવાળો ખોરાક ખાતા હો તો તેમને પ્રોસ્ટેટ, ગોલબ્લેડર (પિત્તાશય), સ્તન અને મોટા આંતરડાના કેન્સર થવાની શક્યતા વધી જાય છે, જ્યોર્જટાઉન યુનિવર્સિટીમાં થયેલા એક પ્રયોગ અનુસાર ગર્ભવતી સ્ત્રી ચરબી વધારે તેવો ખોરાક લે તો સ્તનનું કેન્સર ભવિષ્ય માં થવાની શક્યતા વધી જાય છે. તમારી રોજની કૅલરીની જરૂરતના ફક્ત ૨૦ ટકા ચરબીમાંથી મળે તેવો જ ખોરાક ખાઓ.
ફોલીક ઍસિડવાળો ખોરાક લો. પાંદડા વાળી ભાજી, કઠોળ, લીંબુ, નારંગી, મોસંબી, જામફળ માં ફૉલીક ઍસિડ વધારે હોય. ફક્ત ૪૦૦ માઇક્રો ગ્રામ લેવાથી (રોજનો ડોઝ) ગર્ભાશય ના મૂળ અને મોટા આંતરડાનું કેન્સર થવાની શક્યતા રહેશે નહીં. કૅલ્શિયમ લેવાનું ભૂલશો નહીં. આંતરડાના કેન્સર ના થાય માટે તમારે રોજ ૧૨૦૦થી ૧૫૦૦ મી. ગ્રામ કેલ્શિયમ લેવું જોઈએ. આ કૅલ્શિયમથી વધારા ના બાઈલ એસિડ શરીર જલદી જલદી બહાર કાઢી નાખે છે જેથી આંતરડાનું કેન્સર થવાની શક્યતા ઘટી જાય છે. ૫OO મી. લી. દૂધ માં તમારી રોજની કેલ્શિયમની જરૂર પૂરી થાય આમ છતાં વધારાના કેલ્શિયમ માટે દહીં, તલ, બદામ, અખરોટ, સોયાબીન પણ લેવાનું રાખો.
લસણ ખાવાની ટેવ પાડો. પેનસીલીવીનીયા સ્ટેટ યુનિવર્સિટીમાં થયેલા પ્રયોગોમાં સિદ્ધ થઈ ગયું છે કે રોજ ત્રણથી ચાર લસણની કળી લેવાથી લસણમાં આવેલા બે તત્ત્વોથી ફેફસાંના અને પ્રોસ્ટેટ કેન્સર સામે રક્ષણ મળે છે. સતત એકધારો ખોરાક લેવાને બદલે ફેરફાર કરતા રહો. જેટલો બને એટલો તાજો ઘરમાં બનાવેલો ખોરાક લો. તૈયાર પ્રોસેસ ફૂડમાં તમને તકલીફ ઓછી પડે પણ તેની અંદર જાણે અજાણે અનેક પ્રકારના કેન્સર ઉત્પન્ન કરનાર કેમિકલ્સ તમારા શરીરમાં જશે જે બરાબર નથી.
અઠવાડિયે એક દિવસ સાચેસાચ ઉપવાસ કરો. ઉપવાસ કરવાથી તમારા શરીરનો કચરો બહાર કાઢી નાખનાર અંગો કિડની, ફેફસા અને આંતરડાને અને આ ત્રણેને કંટ્રોલ કરનાર લીવરને થોડો આરામ મળશે. શરીર ચોખું થઈ જશે. ઉપવાસ વખતે પાણી, બીજા પ્રવાહી અને ફ્રુટ, વેજીટેબલ ના રસ લેશે.ઉપર જણાવેલા સરળ ઉપાય નિયમિત રીતે અજમાવશો તો લાંબુ જીવવાની તો ગેરંટી જ છે પણ સાથે “મને કૅન્સર થશે તો? “ આવા સતત રહેતા ભયમાંથી કાયમ મુક્તિ થઈ જશે.