“આમલીમાં ગુણ એક છે, અવગુણ પૂરા વીસ, લીંબુમાં અવગુણ નહિ, ગુણ છે પૂરા વીસ” લીંબુ ને આપણે રોજિંદા જીવન માં ખાવાનું બનાવતી વખતે ખોરાક સ્વાદિષ્ટ બનવા માટે ઉપયોગ કરીએ છીએ. પરંતુ ઘણા લોકો ને એ ખબર નહીં હોય કે લીંબુ ને આપણે એક ઔષધિ ની રીતે પણ વાપરી શકીએ છીએ. આ લેખ માં આપણે લીંબુ ના ઔષધીય ફાયદા વિષે જાણશું.
લીંબુ ના ઔષધીય ફાયદા:
સ્વાદમાં ખાટું હોવા છતાં લીંબુ બહુ ગુણકારી અને ઉપયોગી છે. લીંબુનો રસ રુચિકર અને પાચક હોવાથી દાળ શાક કે ભાત પર નીચોવાઈ છે. લીંબુના આવા ગુણોને લીધે ફળોમાં તેનું મહત્વ અનેરૂ છે. લીંબુનો રસ રોગોત્પાદક જંતુમાત્ર નો નાશ કરનાર હોય દરેક સ્ત્રી,પુરુષ અને બાળકે તેનું સેવન કરવા જેવું છે. તેનું સેવન કરનાર પર ચેપી રોગનો હુમલો થતો નથી લીંબુ નો ઉપયોગ ભૂખ્યા પેટે કરવાથી વધુ લાભદાયક છે. વર્ષાઋતુમાં અજીર્ણ, મંદાગ્નિ, ઉલટી, અરુચિ, તાવ, પાતળા ઝાડા અને કોલેરા જેવા રોગોનો ઉપદ્રવ થાય છે. એવા ઋતુજન્ય રોગોમાં લીંબુ રામબાણ છે. પિત્તપ્રકોપથી થનાર રોગોમાં લીંબુ સર્વશ્રેષ્ઠ છે.
સારા પાકા લીંબુ લઈ કલાઈ વાળી કઢાઈમાં ચાળીસ તોલા રસ કાઢી તેમાં સો તોલા ખાંડ નાખી, ઉકાળી ચાસણી કરી શરબત બનાવવું શરબત ગરમ હોય ત્યારે જ કપડાથી ગાળી ઠંડુ થાય એટલે શીશીમાં ભરી લેવું આ શરબત સવાથી અઢી તોલા જેટલું પાણી મેળવીને પીવાથી ગરમીની વ્યાકુળતા, અપચો, ઉબકા, અરુચિ, ઉલટી, મંદાગ્નિ અને લોહીવિકાર મટાડે છે તેમજ પિત્ત પ્રકોપ ને તરત જ શાંત કરે છે.
લીંબુના રસમાં સિંધવ મેળવીને કેટલાક દિવસ સુધી નિયમિત રીતે પીવાથી પથરી ઓગળી જાય છે. લીંબુના વીસ તોલા રસમાં પાંચ તોલા સરસિયું અથવા તલનું તેલ મેળવી, ખૂબ ઉકાળી, પકવી, ગાળીને શીશીમાં ભરી લેવું, પછી તેમાંથી બબ્બે ટીપાં કાનમાં નાખતા રહેવાથી કાનનું પરુ, ખુજલી અને કાનની વેદના મટે છે તેમજ કાનની બહેરાશમાં પણ ફાયદો થાય છે.
બે ચમચી લીંબુનો રસ અને એક ચમચી આદુનો રસ લઈ તેમાં થોડી સાકર નાખીને પીવાથી ગમે તે જાતનો પેટનો દુખાવો મટે છે. લીંબુ અને ડુંગળીનો રસ મેળવીને પીવડાવવાથી કોલેરામાં ઉત્તમ ફાયદો થાય છે. લીંબુનો રસ ગરમ પાણીમાં મેળવીને રાત્રે સૂતી વખતે પીવાથી શરદી મટે છે આ પ્રયોગ કેટલાક દિવસ સુધી કરવાથી સળેખમ-જૂની શરદી માં ફાયદો થાય છે. લીંબુના રસમાં મધ મેળવીને બાળકોને ચટાડવાથી તેમનું દૂધ ઓકવાનું બંધ થાય છે.
લીંબુનો રસ આંગળીના ટેરવા ઉપર લઈ, દાંત નાં પેઢાં પર મસળવાથી દાંતમાંથી નીકળતું લોહી બંધ થાય છે. લીંબુનો રસ અને કોપરેલ એકત્ર કરી તેની શરીર પર માલીશ કરવાથી ચામડી ની શુષ્કતા ખુજલી, ધાધર વગેરે ચામડીના રોગોમાં ફાયદો થાય છે.
વૈજ્ઞાનિક મત પ્રમાણે લીંબુ સાઈટ્રિક એસિડવાળું ફળ છે. તેમાં એસિડનું પ્રમાણ સાડા સાત ટકા જેટલું છે, તેનો રસ અતિખાટો છે, પરંતુ તેનું પાચન થતા તેનું ક્ષાર માં રૂપાંતર થતાં તે લોહીમાં અન્નદી આહારથી ઉત્પન્ન થતી ખટાશ દૂર કરી લોહીને શુદ્ધ કરે છે.
લીંબુ શરીરમાં ઉત્પન્ન થતી અમ્લતા દૂર કરે છે. તેમાં રહેલું વિટામીન-સી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. લીંબુ હૃદયને સ્વસ્થ રાખે છે. હૃદયના રોગોમાં લીંબુ દ્રાક્ષ કરતાં વધુ ફાયદો કરે છે. લીંબુ અને તેની છાલ બંને ઔષધીય ગુણોથી ભરપૂર છે. ખોટા આહાર-વિહાર ને કારણે શરીરમાં યુરિક એસિડ બને છે. તેને દૂર કરવા સવારે નરણા કોઠે ગરમ પાણીમાં લીંબુનો રસ આદુના રસ સાથે લેવો જોઈએ.
લીંબુ પેશાબ વાટે યુરિક એસિડ નો નિકાલ કરે છે. સાથે સાથે કબજિયાત, પેશાબની બળતરા, લોહીનો બગાડ, મંદાગ્નિ અને ચામડીના રોગોમાં તે અકસીર છે. ગરમ પાણીમાં લીંબુનો રસ, મધ લેવાથી શરદી, કફ, ઈંફ્લુએન્ઝા વગેરેમાં રાહત મળે છે, લીંબુ અને મધ નુ પાણી લઇ લાંબા સમય સુધી ઉપવાસ દ્વારા ચિકિત્સા થઈ શકે છે.
લીંબુના ફાડિયા પર નમક, જીરુ, કાળા મરી, સુંઠ અને અજમાનું ચૂર્ણ ભભરાવી જરાક ગરમ કરી ભોજન પૂર્વે ધીમે ધીમે ચૂસવું. એનાથી ભૂખ ઉઘડે છે અને વાયુ નીચે ઉતરે છે. હેડકી, ઉધરસ, આફરો જેવા વાયુના રોગોમાં પણ તેનાથી ફાયદો થાય છે.
ઘી વાળો ભારે ખોરાક ખાવાથી અજીર્ણ થયું હોય તો બે વખત નવશેકા પાણીમાં લીંબુ નીચોવી પી જવું. કફ, ઉધરસ, દમ અને શરીરના દુખાવા ના કાયમી દર્દીએ લીંબુ લેવું નહીં. લોહીનું ઊંચું દબાણ, માથું દુખવું, પગમાં કળતર, તાવ વગેરે માં લીંબુ નુકસાન કરે છે.
લીંબુ કાપી તેના ચાર કટકા કરી કાચના વાસણમાં લઈ તેમાં મીઠું મરી ને સૂંઠનું ચૂર્ણ નાખી તડકા માં રાખી મૂકવાથી મીઠાના સંયોગથી થોડા જ દિવસમાં લીંબુ ગળી જાય છે. તે ખાવાથી અજીર્ણ, મોઢાની લાળ મુખની વીરસતા – બેસ્વાદપણું મટે છે.