પેટના પડખામાં ડાબી બાજુ બરોળ હોય છે. બરોળની નીચે ડાબો મૂત્રપિંડ તથા અંદરની તરફ હોજરી આવેલી છે. બરોળનો રંગ સ્લેટ જેવો હોય છે. તેનું કદ નાનું મોટું હોય છે. જમ્યા પછી તે મોટી થાય છે અને ભૂખ વખતે તે નાની થાય છે. તે નરમ હોય છે. બરોળનું સ્થાન શરીરમાં અગત્યનું છે.
બરોળ નું મુખ્ય કામ રક્તશુદ્ધિનું છે. ટાઢિયો તાવ લાંબા વખત સુધી ચાલુ રહે છે તો બરોળ વધે છે. મલેરિયામાં બરોળ વધે છે. મલેરિયામાં બરોળના ઘણા દરદીઓ જોવામાં આવે છે. પાંડુરોગ, યકૃતના રોગો, દુષ્ટ પાંડુરોગમાં પણ બરોળ ખૂબ વધે છે.
બરોળ વધવાથી શરીરમાં નબળાઈ આવે છે, શરીર ફિકકું પડે છે, લોહીના સફેદ કણોનો વધારો થાય છે. બરોળવાળા માણસ ઘણી સહેલાઈથી ઓળખી શકાય છે. તેના નાકમાંથી લોહી પડે છે અને સોજા ચડી આવે છે અને જલંધર પણ થાય છે. બરોળ બહુ વધેલી હોય તો તેનું દબાણ છાતી પર થાય છે એટલે શ્વાસ લેવામાં તકલીફ પહોંચે છે.
દર્દીને બરાબર ભૂખ લાગતી નથી. કબજિયાત રહે છે, ઊલટી પણ થાય છે, શરીર દિનપ્રતિદિન નબળું પડે છે, કામ કરતા કરતા હાંફી જવાય છે, ઘણી વખત બહુ મોટી બરોળવાળા માણસના પેટ ઉપર સહેજસાજ વાગતાં અથવા ખાલી ઠોકર ખાતાં વેંત જ તેનું મરણ થય જાય છે. બરોળ વધેલી છે કે નહીં તે ડાબા પડખા તરફ દબાવવાથી તરત જ જણાઈ આવે છે.
શરપુંખ નામનો એક છોડ થાય છે. આ છોડ ચોમાસામાં સર્વત્ર ઊગેલો જોવામાં આવે છે. એનાં પાનને ટેરવેથી તોડવાથી બાણના પુખ જેવા આકારમાં પાન તૂટે છે. એ ઉપરથી એનું નામ ‘શરપંખ’ પડ્યું છે. આ શરપંખનું મૂળ ચાવી ચાવીને રસ પીવો. આવી રીતે દસ-પંદર દિવસ કરવાથી મોટી બરોળ મટવા માંડે છે. મૂળ ચવાય નહીં તો તેનું ચૂર્ણ સવાર સાંજ છાશ સાથે પીવું.
શરપુંખના છોડોને બાળી નાખી તેની રાખનું ચૂર્ણ દિવસમાં ત્રણ વખત છાશ સાથે પીવું પણ હિતાવહ છે. ક્ષાર કાઢીને પણ આ છોડને વાપરી શકાય છે. બરોળની બિમારી હોય તો તે માટે લીંડીપીપર ૪૦ ગ્રામ, જળખાર ૫૦ ગ્રામ, હરડે ચૂર્ણ ૬૦ ગ્રામ આ ત્રણેય ચૂર્ણ મીક્ષ કરી રાખવા. તેમાંથી રોજ સવાર-સાંજ ૫-૫ ગ્રામ ચૂર્ણ લેવું. આ ઉપાય ખૂબ સરળ અને અસરકારક છે.
અર્કલવણ બહુ સરસ દવા છે. બરોળ, કાળજાનું ફૂલવું, ચૂંક, આફરો વગેરેમાં આ દવા ઉપયોગી છે. પાવલીભાર અર્કલવણ છાશ સાથે પીવાથી બરોળ નાની થઈ જાય છે. આકડાનાં પાકાં અથવા લીલાં પાન લાવવાં. તેની બરાબર મીઠું લેવું. એક હાંડલીમાં આ બંને ઉપરનીચે ગોઠવવું.
પહેલાં પાન, પછી મીઠું, પછી ઉપર પાન, પછી મીઠું – આવી રીતે થરવાર બધું હાંડલીમાં ભરવું. તેનું મોં માટી વડે બંધ કરી દઈ છાણાં ખડકી તેમાં આ હાંડલી મૂકી દેવી. ઠંડું પડયા પછી હાંડલીમાંથી બધું કાઢી લઈ તેને વાટી ને શીશીમાં ભરી લેવું. આને અર્કલવણ કહેવામાં આવે છે.
ખજુરની ચાર-પાાંચ પેશી રાત્રેપાણીમા પલાળી રાખી, સવારે મસળી તેમા મધ નાખી સાત દીવસ સુધી પીવાથી બરોળની વૃદ્ધિ મટે છે. બે થી ચાર ચમચી કરેલાનો રસ પીવાથી બરોળ વધી ગયેલી હોય તો તે નાની થય જાય છે. કુંવારપાઠાનો રસ લગભગ ૪૦ ગ્રામ લઈ તેમાં ૬ ગ્રામ હળદર મેળવી સવાર-સાંજ પીવાથી બરોળ મટે છે. ૧ કિલો સૂકા અંજીરમાં ૫૦૦ ગ્રામ વિનેગર રેડીને મૂકી રાખવો, તેમાંથી રોજ ૪ અંજીર ખાવાથી બરોળનાં તમામ રોગો પર ઘણો જ ફાયદો થાય છે.
ફુલાવેલો ટંકણખાર, સંચળ, જવખાર, ફૂલાવેલો ટંકણખાર આ બધું જ સરખાભાગે લઈ, કુવારપાઠા ના રસથી ગોળી બનાવવી. ગોળીઓ ચણાનાં માપની બનાવવી. તેમાંથી ૧ થી ૨ ગોળી રોજ એકવાર પાણી સાથે લેવી. તેનાથી બરોળ, પેટમાં ગોળો, આફરો જે કંઈ થયું હોય તે મટાડવામાં મદદ કરે છે.
પીપર, પીપરીમૂળ, ચવક, ચીત્રક અને સુંઠ દરેક ૧૦-૧૦ ગ્રામ તથા હરડે ૫૦ ગ્રામ આ બધુ ભેગુ વાટી ચટણી જેવું બનાવવું. પછી રાતા રોહીડાની છાલ ૨૫૦ ગ્રામ અને બોર ર૦૦ ગ્રામ લઈ તેનાથી ચાર ગણા પાણીમાં ચોથા ભાગનું પાણી રહે ત્યાં સુધી ઉકાળવું અને પછી તેને ગાળીને ઉપરોક્ત ચટણી સાથે ૧૬૦ ગ્રામ ઘીમાં નાખી ધીમા તાપે ઘી શેકવું. સવાર-સાંજ અડધી-અડધી ચમચી જેટલું આ ઘીનું સેવન કરવાથી વધી ગયેલી બરોળ સારી થઈ જાય છે.