અંજીર એ એક પ્રકારનું ફળ છે. જેને સામાન્ય રીતે લોકો ડ્રાયફ્રુટ તરીકે ખાતા હોય છે. આ ઉપરાંત અંજીરનો ઉપયોગ અનેક પ્રકારના ઘરેલુ ઉપચારોની અંદર કરવામાં આવે છે. અંજીરની અંદર ભરપૂર માત્રામાં વિટામિન, મિનરલ્સ અને એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે. જે શરીરની અંદર રહેલા દરેક રોગોને દૂર કરવા માટે ઉપયોગી સાબિત થાય છે.
તાજા અંજીરમાં વિટામીન A સૌથી વધારે પ્રમાણમાં હોય છે. અંજીર એક સ્વાદિષ્ટ, સ્વાસ્થ્યવર્ધક અને ખૂબ જ ઉપયોગી ફળ છે. વૈજ્ઞાનિકો અનુસાર અંજીરના ડ્રાયફ્રૂટમાં કાર્બોહાઇડ્રેટ 63 ટકા, પ્રોટીન 5.5 ટકા, સેલ્યુલોઝ 7.3 ટકા, ખનિજ ક્ષાર 3 ટકા, અમ્લ 1.2 ટકા અને પાણી 20.8 ટકા હોય છે. વિટામીન બી અને વિટામીન સી પણ હોય છે.
અંજીરની અંદર ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે, અને આથી જ તેનું સેવન કરવાના કારણે પાચનશક્તિ મજબૂત બને છે. જેથી કરીને તમને કબજિયાત અને અપચા જેવી પેટને લગતી દરેક સમસ્યાઓમાંથી છુટકારો મળે છે. આ સમસ્યાઓમાંથી છુટકારો મેળવવા માટે અંજીરનું સીધું જ સેવન કરી શકો છો અથવા તો આ અંજીરને પાણીમાં આખી રાત પલાળી રાખી સવારે પણ તેનું સેવન કરી શકો છો.
હરસના દર્દીઓ માટે પણ અંજીરનું સેવન ખૂબ જ લાભકારી સાબિત થાય છે. હરસના દર્દીઓને કબજીયાતમાંથી છુટકારો મેળવવા માટે પાણીમાં પલાળેલા અંજીરનું સેવન સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે.
શરીરની કમજોરીને દૂર કરવા માટે અંજીર એ સર્વશ્રેષ્ઠ ખોરાક માનવામાં આવે છે. અંજીરની અંદર અનેક એવા પોષક તત્વો હોય છે. જે તમારા શરીરને પૂરતા પ્રમાણમાં પોષણ પૂરું પાડે છે, અને તમારી શરીરની શક્તિ વધારવામાં મદદરૂપ સાબિત થાય છે. આથી જો દૂધની સાથે અંજીરનું સેવન કરવામાં આવે તો તેના કારણે તમારી શારીરિક શક્તિ મજબૂત બને છે.
વજન વધારવા માટે પણ અંજીર ખૂબ જ લાભકારી ગણવામાં આવે છે. જો દૂધની સાથે અંજીર પલાળી તેનું સવારમાં સેવન કરવામાં આવે તો તેના કારણે વ્યક્તિના વજનમાં વધારો થાય છે, અને તેના શરીરમાં નવું લોહી બને છે.
અંજીર ની અંદર ભરપૂર માત્રામાં વિટામિન સી હોય છે. આથી જ તેનું સેવન કરવાથી ત્વચાને લગતી દરેક સમસ્યાઓમાં થી છુટકારો મળે છે. સ્કિનને લગતી જો કોઈપણ પ્રકારની સમસ્યા હોય તો તેના માટે અંજીરનું સેવન ખૂબ જ લાભકારી ગણવામાં આવે છે.
આ ઉપરાંત અંજીરનું સેવન બ્લડ પ્રેશરના દર્દીઓ માટે પણ રામબાણ ઇલાજ સાબિત થાય છે. હાઈ બ્લડપ્રેશરની સમસ્યાને દૂર કરવા માટે અંજીરનું સેવન ખૂબ જ ગુણકારી સાબિત થાય છે.
અંજીરનું સેવન કરવાથી તમારા શરીરની અંદર જામેલી વધારાની ચરબી દૂર થઈ જાય છે અને આથી જ શરીરની અંદર રહેલો બધો જ ખરાબો અને ઝેરી તત્વો બહાર ફેંકાઈ જાય છે. આ ઉપરાંત અંજીર ની અંદર ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે. જે શરીરની વધારાની ચરબીને દૂર કરી, વજનને કંટ્રોલ કરવા માટે પણ ઉપયોગી સાબિત થાય છે.
અંજીર ની અંદર ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે, અને આથી જ તેનું સેવન કરવાના કારણે શરીરની માંસપેશીઓ અને હાડકાઓ મજબૂત બને છે. જેથી કરીને વ્યક્તિઓને સાંધાના દુઃખાવામાંથી રાહત મળે છે. આ ઉપરાંત અંજીર ની અંદર ભરપૂર માત્રામાં આયર્ન હોય છે. જે શરીરમાં નવું લોહી બનાવે છે, અને હિમોગ્લોબિનની માત્રાને જાળવી રાખે છે.
રોજ સવારે એક સૂકા અંજીરની સાથે પાંચથી દસ બદામ દૂધમાં નાખી, બરાબર ઉકાળી, તેમાં જરૂર પૂરતી સાકર મેળવીને ધીમે ધીમે એ દૂધ પી જવું. આ રીતે અંજીરનું સેવન કરવાથી તેની પોષણ શક્તિનો શ્રેષ્ઠ લાભ મળે છે.
અંજીર રક્તની શુદ્ધિ કરનાર છે. એટલે રક્તના રોગોમાં તે ઉત્તમ પરિણામ આપે છે. રોજ રાત્રે ત્રણ નંગ અંજીર અને કાળી સૂકી દ્રાક્ષ (બીજ કાઢેલી) પંદર નંગ લઈ, એક ગ્લાસ દૂધમાં સારી રીતે ઉકાળીને પછી એ દૂધ ધીમે ધીમે પી જવું. અંજીર અને દ્રાક્ષ ચાવીને ખાઈ જવા.
અંજીર વાયુનો નાશ કરનાર હોવાથી શ્વાસ-દમની તકલીફમાં સારું પરિણામ આપે છે. દમના દર્દીઓ માટે અંજીરનો એક સરળ ઉપચાર પ્રયોગ છે. અંજીર અને ગોરખ આમલી આશરે પાંચ-પાંચ ગ્રામ જેટલા લઈ, એક સાથે ખૂબ ચાવીને ખાઈ જવા. સવારે અને સાંજે આ રીતે થોડા દિવસ ઉપચાર કરવાથી શ્વાસ-દમ બેસી જાય છે અને હૃદય પરનું દબાણ દૂર થાય છે.
જેમને મળમાર્ગમાં મસામાંથી રક્તસ્રાવ થતો હોય તો તેમણે થોડા દિવસ આ પ્રમાણે ઉપચાર કરવો. બેથી ત્રણ નંગ સૂકા અંજીર રોજ રાત્રે પાણીમાં પલાળી દેવા અને સવારે ખૂબ ચાવીને ખાઈ જવા. એ જ રીતે બીજા બે-ત્રણ અંજીર સવારે પલાળી દઈ સાંજે ખાઈ જવા. દસથી બાર દિવસ આ ઉપચાર કરવો. રક્તસ્રાવી મસા શાંત થઈ જશે.
મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરની બિમારીઓ વધી રહી છે. મહિલાઓમાં થતા બ્રેસ્ટ કેન્સર માટે તે ખૂબ જ લાભકારી છે. દરરોજ અંજીર ખાવાથી તેનું જોખમ ઘટી જાય છે. ફેફસાંના રોગમાં પાંચ અંજીર એક ગ્લાસ પાણીમાં ઉકાળીને ગાળીને સવાર-સાંજ પીવું જોઇએ.