આ જીવંતી એટલે ડોડી અથવા દોડી જેને સૌરાષ્ટ્રમાં ‘ખરખોડી’ પણ કહે છે. જીવંતીએ ડોડીનું એક સંસ્કૃત નામ છે, આ સિવાય ડોડીને આયુર્વેદમાં સંસ્કૃતમાં શાકશ્રેષ્ઠ, જીવનીયા, જીવની, જીવર્વિધની વગેરે નામોથી પણ ઓળખાવી છે. આ ડોડી બારેમાસ થાય છે. પરંતુ ભાદરવો અને આસોમાં તેનાં પર્ણો પરિપુષ્ટ હોય છે, અને તે પિત્ત અને વાયુનું શમન કરતી હોવાથી આ ઋતુમાં તેનું શાક આયુર્વેદની દ્રષ્ટિએ ખૂબ હિતાવહ છે.
શાકશ્રેષ્ઠા ડોડીની ગણના સર્વ શાકોમાં સૌથી શ્રેષ્ઠ શાક તરીકે થાય છે. ડોડીના વેલા જૂઈના વેલા જેવા થાય છે. તેના વેલા આપમેળે ઊગીને વાડો ઉપર ફેલાઈ જાય છે. ડોડી એ વર્ષાૠતુમાં થનારી ચીકણી અને ઝાડોને વીંટળાઈ વળનારી, વધારે પાનવાળી વેલ છે. ડોડી પંજાબ, ઉત્તર પ્રદેશ, ઓરિસા, મધ્યભારત અને ગુજરાત-સૌરાષ્ટ્રમાં થાય છે. તેના વેલાનું મૂળ જમીનમાં ઊંડે સુધી જાય છે.
વધારે જૂનાં મૂળ હાથના કાંડા જેવા જાડાં અને કાપવાથી છિદ્રાળુ જણાય છે. મૂળની વાસ થોડી ઉગ્ર અને સ્વાદ ફીકો તેમ જ કંઈક મીઠાશ પડતો લાગે છે. તેના વેલા ઝડપથી ઉંચે ચડી જાય છે. પાન પાતળાં, ચીમળાયેલાં, અસકથી બે ઈંચ લાંબાં, એકથી દોઢ ઈંચ પહોળાં અને અણીદાર હોય છે. પાન ઉપરની બાજુએ ચીકણાં, નીચેની બાજુએ રુવાંટીવાળાં અને સહેજ વાસવાળાં હોય છે.
જીવનને નિરોગી રાખનાર અને પ્રાણશક્તિ આપે તે જીવંતી. શાકમાત્રમાં એ શ્રેષ્ઠ છે. એને ગુજરાતીમાં દોદી, ડોડી, ખરખોડી, ચડારુડી વગેરે પણ કહે છે. તેની ડૂખો, કોમળ પાન, ફૂલ, બધું જ મીઠું અને સ્વાદિષ્ટ હોય છે. પાન તોડીને સીધાં ખાઈ શકાય છે. ડોડીના આ ફળને કે પાંદડાને તોડવાથી તેમાંથી તરત જ સફેદ દૂધ જેવું ક્ષીર નીકળે છે. ડોડીનું આ શાક ભાજી, ફૂલ કે ખરખોડા-ફળને પાણી નાંખ્યા વગર શુદ્ધ ઘીમાં જ શેકીને ખાવું જોઈએ.
ડોડી કડવી અને મીઠી એમ બે જાતની થાય છે. શાકમાં મીઠી ડોડીનો ઉપયોગ કરવો. કડવી ડોડીનાં મૂળનું ચૂર્ણ બનાવી વૈદ્યો બાળકોની વરાઘ-સસણીમાં વાપરે છે. પણ શાકમાં તો મીઠી ડોડીનાં જ પાન, ફૂલ અને ફળો વાપરવા. તેનાં તાજા પર્ણો અને ફળો કાચેકાચા ચાવીને ખાવાથી ખૂબ સારા સ્વાદિષ્ટ લાગે છે.
જે ડોડીનું શાક અને બકરીનું દૂધ પીવા થી ઘડપણ મોડું આવે, ત્વચા અને દ્રષ્ટિ યુવાન જેવા રહે છે. જીવંતીઘન, અશ્વગંધા, શુદ્ધ કૌંચા અને શતાવરી સરખે ભાગે મેળવવી લેવાથી જાતીય નબળાઈ દૂર થશે, સ્પર્મ કાઉન્ટ અને મોટેલીટી વધે છે.
જીવંતી-ડોડીને આયુર્વેદમાં શીતળ, ચક્ષુષ્ય એટલે આંખોને માટે ખૂબ હિતાવહ, બલ્ય અથવા બળપ્રદ વૃષ્ય એટલે મૈથુન શક્તિ વધારનાર, વીર્ય વર્ધક, રસાયન એટલે જીવન શક્તિ વધારનાર તથા વાયુ, પિત્ત અને કફ આ ત્રણે દોષોને શાંત કરનાર કહેવાય છે. રતાંધળાપણામાં અને જેમને આંખોનું તેજ ઓછું હોય તો ડોડીનાં પાન ઘીમાં શેકીને ખાવા જોઈએ. કાચા ફળો પણ ટેસ્ટી હોવાથી ખાઈ શકાય.
ડોડીનો એક મહાન ગુણ કે કર્મ છે, કોઠાનો ‘રતવા’ મટાડવાનો. રતવા શબ્દમાં ‘રક્ત’ અને ‘વા’ અથવા ‘વાયુ’ એ બે શબ્દો છે. રક્તનો અર્થ થાય લોહી અથવા આર્તવ અથવા માસિક વખતે પ્રવૃત્ત થતું લોહી. આ આર્તવમાં ‘પિત્ત’ દોષ રહેલો છે. એટલે કે જ્યારે પિત્તદોષ અને વાયુ દોષવાળું આર્તવ ગર્ભાશયમાં રહેલું હોય છે. ત્યારે તેને ‘રતવા’ થયો છે એમ કહેવામાં આવે છે.
આવી રતવાવાળી સ્ત્રીઓને બાળક થતું નથી અને થાય તો ટકતું નથી. એટલે કે કસુવાવડ થઈ જાય છે. આવી સ્ત્રીઓને માટે ડોડી વરદાન સમાન છે. ડોડીના સૂકા મૂળનું અડધી ચમચી ચૂર્ણ સવાર-સાંજ તાજા દૂધ સાથે ફાકવાથી ઝીણો તાવ, દાહ, અશક્તિ અને ઉધરસ માટે છે. ત્રણેક મહિના આ ચૂર્ણનો ઉપયોગ કરવો. ડોડીમાં વિટામીન ‘એ’ રહેલું હોવાથી રતાંધણાપણું મટાડે છે.
ડોડીનાં મૂળનો કલ્ક એક શેર, ડોડીનાં મૂળ તથા શતાવરીનો ક્વાથ સોળ શેર અને ગાયનું ઘી ચાર શેર, એકત્ર કરી મંદાગ્નિ પર ઘી સિદ્ધ કરવું. એ ઘીમાંથી અક એક તોલો સવાર-સાંજ ખાવાથી ક્ષય, ઉરઃક્ષત, દાહ, વંધ્યત્વ, દ્દષ્ટિની મંદતા અને રક્તપફત્ત મટે છે.
ડોડીનાં કૂણાં પાન બાફી તેનો રસ કાઢી પીવાથી અગ્નિદીપન થાય છે, તેમ જ રસાયન જેવો ગુણ આપે છે અને નેત્રને ઠંડક પણ આપે છે.ડોડીનાં પાનની ભાજીનું સેવન કરવાથી રાત્રે ન દેખાતું હોય તે રતાંધળાપણું અટે છે. અર્શવાળાને પણ તેની ભાજી પથ્ય છે.
ડોડીના મૂળનો ઉકાળો, દોઢ માસા જીરાનું ચૂર્ણ મેળવી ત્રણ દિવસ સવારે પીવાથી પેશાબ વખતે થતી બળતરા ઓછી થાય છે, એકઠું થયેલું પરુ નીકળી જાય છે, તેમ જ મૂત્રનલિકાની બળતરા મટે છે અને નવા થયેલા પરમિયામાં ફાયદો કરે છે. તે સ્ત્રીઓના કોઠાની ગરમી દૂર કરે છે.