નાગલી (રાગી) એશિયા તેમજ આફ્રિકા ખંડના સૂકા ક્ષેત્રોમાં ઉગાડવામાં આવતું એક હલકું ધાન્ય છે. ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં ડાંગ જિલ્લા, વલસાડ જિલ્લા, નવસારી જિલ્લા, તાપી જિલ્લા તેમ જ સુરત જિલ્લાના આદિવાસીઓ નાગલીની ખેતી કરી, તેનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. નાગલી એક ઋતુમાં એટલે કે આશરે ૧૦૦ થી ૧૨૦ દિવસમાં પાકીને તૈયાર થઈ જાય છે. નાગલી મૂળ રૂપમાં ઇથોપિયાના ઉચ્ચ પ્રદેશોમાં જોવા મળે છે
નાગલીમાં કેલ્શિયમ, લોહતત્ત્વ, પ્રોટીન, રેસા તથા અન્ય ક્ષારોનું પ્રમાણ ભરપૂર માત્રામાં હોય છે. જેથી તેનો રોજિંદા આહારમાં ઉપયોગ કરવાથી શરીરને પૂરતા પ્રમાણમાં પોષકતત્ત્વો મળી રહે છે. વળી તેમાં ચરબીનું પ્રમાણ નહિવત્ હોય છે તથા મોટેભાગે તેમા અસેચ્યુરેટેડ ચરબી હોય છે જે પચવામાં હલકું છે તથા ગ્લુટીન ધરાવતું નથી. જેથી જે લોકો ગ્લુટીન સેન્સિટિવ એટલે કે ગ્લુટીન પચાવી શકતા ન હોય, તેમના માટે રાગી આશીર્વાદ રૂપ છે.
ભારતમાં નાગલી સામાન્ય રીતે રાગી (કન્નડ અને તેલુગુ) મંડુઆ / મંગળ (હિન્દી), કોડ્રા (હિમાચલ પ્રદેશ), મંડિયા (ઉડિયા), તૈદાલુ (તેલંગણા પ્રદેશમાં), કેઝવારાગુ (તમિલ) અને બાવટો, નાગલી (ગુજરાતમાં) વગેરે શબ્દ દ્વારા બોલાવવામાં આવે છે.
ગુજરાત રાજ્યમાં ડાંગ અને વલસાડ જિલ્લાઓમાં નાગલી ઉગાડતા આદિવાસી ખેડૂતો તેના લોટમાંથી રોટલા બનાવી ખાય છે. આ ઉપરાંત અહીંની મહિલાઓ મંડળી બનાવી ગૃહ – ઉદ્યોગ તરીકે નાગલીની પાપડી, બિસ્કીટ વગેરે તૈયાર કરી તેનું વેચાણ કરે છે. નાગલીના દાણા નાના અને લાલ રંગના હોય છે. તેના દાણામાં બારીક ખાંચો કે ઘોબો હોય છે.
રાગીનું વાવેતર ડુંગરાળ જમીનમાં કે જંગલોમાં કરવામાં આવે છે. તેના છોડ દોઢ-બે ફૂટ ઊંચાઈના હોય છે. તેના છોડની ટોચે ડુંડા આવે છે. ડુંડા માં દાણા થાય છે. નાગલી તૂરી, કડવી, મધુર, તૃપ્તિ કરનારી, લધુ (હલકી ), બળકર તથા શીતળ છે. એ પિત્ત અને ત્રિદોષનો નાશ કરે છે. નાગલી સ્વાદે મીઠી હોય છે, નાગલી શરીરને રુક્ષ કરે છે અને મળને બાંધે છે.
રાગીમાં ટ્રીપ્ચોફેન નામનું એમિનો એસિડ હોય છે. ઉપરાંત તેમાં રહેલા રેસાને કારણે ભૂખ લાગતી નથી. જેને કારણે ખોરાક ઓછો ખવાય છે, પાચન ધીમુ થાય છે. નાગલીમાં કેલ્શિયમ, આયર્ન, પ્રોટીન અને ફાઇબર જેવા તત્વો પુષ્કળ માત્રામાં હોવાથી બાળકો તેમજ માતાઓ માટે અમુલ્ય છે. વળી તેમાં ફેટ ઓછું હોવાથી પાચનમાં હલકો છે.
નાગલી કુપોષણ, ડીજનરેટિવ રોગો અને અકાળે વૃદ્ધત્વ અટકાવવામાં મદદ કરી શકે છે. નાગલી બ્લડ પ્રેશર, યકૃત વિકાર, અસ્થમાં અને હૃદય નબળાઈ ધરાવતા વ્યક્તિઓ માટે ફાયદાકારક સાબિત થયેલ છે. નાગલી અત્યંત પૌષ્ટિક અનાજ છે અને સારુ આરોગ્ય જાળવવા માટે ખૂબ જ ફાયદાકારક છે.
નાગલીને રાત્રે પાણીમાં પલાળી રાખવી. સવારે કાઢી બારીક વાટવી. આથી દૂધ જેવું ધોળું પાણી નીકળે તેને વસ્ત્રગાળ કરી, કલાઈ કરેલા વાસણમાં બે-ચાર ઘડી રાખી મૂકવાથી તેનું સત્ત્વ વાસણના તળિયે જામી જશે. પછીથી ઉપર-ઉપરનું પાણી કાઢી નાખવું. નીચેના સત્ત્વને સ્વચ્છ વસ્ત્રની ચોવડ ગડી કરી, તેના ઉપર પાથરવું. પાંચ-છ ઘડી પછી તે ચીકણી માટી જેવું ઘટ્ટ થઈ જશે એટલે તેની સોપારી જેવડી ગોળીઓ વાળી તાપમાં સૂકવવી.
નાગલીના સત્ત્વની આ એકેક ગોળીને પાણીમાં બાફી, ઠંડું થાય ત્યારે ગોળ મેળવી, થોડું થોડું બાળકોને ખવડાવવાથી અશકત અને નબળાં બાળકોમાં શકિત આવે છે. નાગલીમાં રહેલા ફાયટોકેમિકલ્સ પાચન પ્રક્રિયાને ધીમી કરવામાં મદદ કરે છે. અને ડાયાબિટીસની સ્થિતિમાં લોહીમાં ખાંડના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. એવું જાણવા મળ્યું છે કે રાગી આધારિત આહાર ડાયાબિટીસમાં મદદ કરે છે કારણ કે તેમાં ચોખા અને ઘઉં કરતાં વધુ ફાયબર હોય છે.
નાગલીને આદિવાસીઓ અથવા ગરીબ અને નીચલા વર્ગના લોકો જ ખાય છે. આદિવાસીઓ તેને દળીને તેના રોટલા કે ભાખરી બનાવીને ખાય છે. નાગલી પૌષ્ટિક છે. આદિવાસીઓ આપણા કરતાં અનેકગણો શ્રેમ કરે છે છતાં તેઓ થાકતા નથી. તેમની એ શકિત નાગલીના ખોરાકને લીધે જ છે. નાગલીનો વપરાશ કુદરતી રીતે શાંત રહેવામાં મદદ કરે છે. તે ચિંતા, ડિપ્રેશન અને અનિદ્રાની સ્થિતિઓમાં ફાયદાકારક છે. તે માઇગ્રેન માટે પણ ઉપયોગી છે.
અડધો શેર નાગલી લઈ, સારી રીતે ધોઈ, સૂકવી, છોતરાં કાઢી, રોજ સવારે તેમાંથી અર્ધા તોલા જેટલી લઈ વાટી, વસ્ત્રગાળ કરી ગાયના દૂધમાં ભેળવી, મલાઈ જેવું કરી છ માસ કરતાં મોટી ઉંમરના બાળકને ચટાડવાથી બાળકની કૃશતા મટી બાળક પુષ્ટ થાય છે. આ રક્તવૃદ્ધિ કરનારું અને બળ આપનારું ઉત્તમ ઔષધ છે. નાગલી વાટીને શરીરે લેપ કરવાથી શીતળા માં આરામ મળે છે.