હીરાબોળ એ એક જાતનાં ઝાડનું દૂધ અથવા ગુંદર છે. એનું ઝાડ ઘણું ઊંચું, પોચું તથા ગાંઠોવાળું હોય છે. તેની ગાંઠો વાંસની કાતરીઓ જેવી હોય છે. તેની અંદરનો ભાગ પોલો હોતો નથી પણ નક્કર હોય છે. એનાં બધા ભાગો કડવા હોય છે, તે ઝાડનો ગુંદર ઘણી રીતે લેવામાં આવે છે. ઝાડની ચીર કર્યા બાદ નીચે વાસણ મૂકવાથી, તેમાં ગુંદર એકઠો થાય છે. આ બધી જાતના ગુંદરમાં સૌથી ઉત્તમ છે. તે ગુંદર બંધાયા પહેલાં સફેદ રંગનો હોય છે અને બંધાયા બાદ રંગીન થઇ જાય છે.
એનાં થડમાંથી નીકળે છે. તે ગુંદર ઊતરતી કક્ષાનો ગણાય છે, જે ગુંદર ઝાડની છાલને નીચોવી, રસ કાઢી સૂકવીને અથવા છાલને પાણીમાં ઉકાળી, સાફ કરી ફરીથી તે પાણી બંધાઈ જાય ત્યાં સુધી પકવી બનાવવામાં આવે છે. તે હલકી જાતનો ગુંદર ગણાય છે, તે રંગે કાળી હોય છે. લાકડી, કાંકરા વગરનો અને જલદીથી તૂટી જાય તેવો ખુશ્બુ દાર તથા ઘણો કડવો હોય છે.
આફ્રિકા, ઇરાન, અરબસ્તાન વગેરે આરબ દેશોમાં હીરાબોળનાં વૃક્ષો ખાસ થાય છે. ગૂગળની જેમ જ તેનાં વૃક્ષોના થડમાં ચીરો કરવાથી એક જાતનો ઘટ્ટ-ચીકણો ગુંદર નીકળે છે. જેને હીરાબોળ કહે છે. આયુર્વેદ પ્રમાણે જોઈએ તો હીરાબોળ સ્વાદમાં કડવો, તીખો અને તૂરો, ગરમ, મેધાવર્ધક, પાચક, ગર્ભાશયને શુદ્ધ કરનાર, માસિક સાફ લાવનાર, રક્તશોધક અને જઠરાગ્નિવર્ધક છે. તે કબજિયાત, આફરો, મંદાગ્નિ, કષ્ટાર્તવ, માસિકનો અટકાવ, ચામડીના રોગો, લોહીના ઝાડા વગેરેને મટાડનાર છે.
હીરાબોળને સરકામાં ઘોળી જાડુ થાય પછી માથા પર લેપ કરવાથી માથાનું દર્દ મટે છે. હીરાબોળનો પાઉડર માથા પર છાંટવાથી, માથાનાં જખમો મટે છે. જીરા તથા ઘી સાથે તેનો લેપ કરવાથી માથાનાં ગડગૂમડાંને ફાયદો થાય છે. તેવી જ રીતે એલોવેરા સાથે લેપ કરવાથી પણ ગડ, ગૂમડા, ફોલ્લામાં ઘણી રાહત રહે છે. એ રોપણ ગુણ ધરાવતું હોવાથી ભગંદર, નાસૂર વગેરે રોગમાં પણ ઘણો ફાયદો કરે છે.
અનાનસ ના વિનેગર સાથે હીરાબોળ લેવાથી દાંતમાંથી નીકળતું લોહી બંધ થાય છે. એ મુખને ખુશબુદાર બનાવે છે. હીરાબોળ મોઢામાં રાખવાથી કંઠની સખતાઈ દૂર કરે છે. ઉપરાંત અવાજ સુધારે છે. હીરાબોળ આંતરડાંના જખમને, બાદીના પેટનાં દર્દો, મૂત્રપિંડ તથા મૂત્રાશયના વ્યાધિઓને નાબૂદ કરે છે. તથા પેશાબ છૂટથી લાવે છે. પુરુષના રક્તપ્રમેહનો નાશ કરે છે.
હીરાબોળ ત્રણ તોલા, ગળોનું સત્ત્વ, ગંધક અને પારો એક તોલો લઈ તમામને ફૂટી બારીક ખાંડી શતાવરીના ઉકાળામાં ઘૂંટી તેની મધમાં ગોળીઓ બનાવવી. આ ગોળીને મધ તથા પાણી સાથે આપવાથી પ્રમેહ, પ્રદર, મૂત્રકૃચ્છ, પથરી વગેરે રોગોનો નાશ થાય છે.જે સ્ત્રીઓને કમર દુઃખતી હોય તેમનાં માટે હીરાબોળ ઉમદા ઔષધ છે. હીરાબોળ અને ગૂગળ બંને સરખા વજને લાવી તેમની ચણાનાં દાણા જેવડી ગોળીઓ બનાવી લેવી. થોડા દિવસ સવાર-સાંજ એક એક ગોળી લેવાથી કમરનાં દુઃખાવામાં ફાયદો થાય છે.
હીરાબોળનું ચૂર્ણ મધમાં નાખી પીવાથી પેશાબમાં વારંવાર જતી ઘાતુ બંધ થાય છે. મુખ અને દાંતનાં રોગોમાં પણ હીરાબોળ ઉપયોગી ઔષધ છે. બોળનું ચૂર્ણ ગુલાબનાં અર્કમાં મેળવીને તેનાં કોગળા કરવાથી મુખપાક, મોઢાનાં ચાંદા, મસૂડાનાં રોગો વગેરે મટે છે. પોલી દાઢમાં બોળનું ચૂર્ણ ભરી દેવાથી દાઢનો દુઃખાવો મટે છે. હીરાબોળને ધાણાના પાણી સાથે ઉપયોગ કરવાથી ગર્ભસ્થાનમાંથી નીકળતી દુર્ગધ મટે છે. હીરાબોળને મારી સાથે લેતાં ટાઢિયો તાવ આવ્યા પહેલાં પીવાથી એ તાવને આવતો અટકાવે છે.
હીરાબોળને બાળી તેનો લેપ કરવાથી વાળ લાંબા થાય છે. દુર્ગંધી, ઘાટો કફ પડતો હોય તેમના માટે હીરાબોળ સારી દવા છે. એક ચપટી જેટલું હીરાબોળનું ચૂર્ણ ગરમ પાણી સાથે દિવસમાં ત્રણ વાર લેવાથી કફ સરળતાથી બહાર આવે છે અને દુર્ગંધ દૂર થાય છે. હીરાબોળ અનેક રોગોને મટાડનાર ઔષધ છે. તે શ્વેતકણોને વધારે છે તથા એન્ટિસેપ્ટિક છે. હીરાબોળનું ચૂર્ણ જખમ પર લગાવવાથી રક્તસ્રાવ બંધ થઈ જખમ રુઝાય છે તેમજ તેમાં પાક થતો નથી.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.